ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ ગંભીર બીમારીમાં શ્રેષ્ઠ સારવાર નજીકની જ હોસ્પિટલોમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે મા યોજનાનો વ્યાપ વધાર્યો છે અને સુપર સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલોને પણ યોજનામાં આવરી લીધી છે.
આ યોજનાના લાભાર્થીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોવાથી અને લાભાર્થીએ એકપણ રૂપિયો ચૂકવવાનો થતો નહીં હોવા છતાં અમદાવાદની 17 ખાનગી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલે દર્દીઓ પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે.
6 હોસ્પિટલના લાઇસન્સ સસ્પેન્ડ
કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલો દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલતી હોય તો તેની સામે કડક પગલાં જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ તમામ 17 હોસ્પિટલે દર્દીઓ પાસેથી લીધેલા રૂપિયા પરત અપાવાયા છે.
6 હોસ્પિટલના લાઇસન્સ સસ્પેન્ડ કરી મા યોજનામાંથી બરતરફ કરાઇ હતી જ્યારે 11 ને નોટિસ અપાઇ હતી. લાઇસન્સ સસ્પેન્ડ કરાયા બાદ હોસ્પિટલોએ માફીનામું આપતા તેમજ ફરી આવું કૃત્ય નહીં થાય તેની બાંયેધરી લઇને દર્દીઓની સુવિધા માટે લાઈસન્સ પૂર્વવત કરાયા છે.
આરોગ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં સ્વીકાર કર્યો, આ હોસ્પિટલોએ ખોટી રીતે પૈસા વસૂલ્યા
- 1-ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ
- 2-બોડીલાઇન હોસ્પિટલ
- 3-પારેખ હોસ્પિટલ
- 4-સેવિયર હોસ્પિટલ
- 5-શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ
- 6-શેલ્બી હોસ્પિટલ, નરોડા
- 7-સ્ટાર હોસ્પિટલ
- 8-નારાયણ રૂદયાલયા હોસ્પિ.
- 9-જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર
- 10-આનંદ સર્જિકલ હોસ્પિટલ
- 11-ગ્લોબલ હોસ્પિટલ
- 12-HCG મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ, મીઠાખળી
- 13-લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર
- 14-શિવાલિક હોસ્પિટલ
- 15-સ્ટર્લિંગ હોસ્પિટલ
- 16-સંજીવની હોસ્પિટલ
- 17-સાલ હોસ્પિટલ
મા યોજના હેઠળ અમદાવાદમાં એક વર્ષમાં 1.94 લાખ દર્દીને સારવાર મળી
મા યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં જ અમદાવાદમાં 1.94 લાખ દર્દીઓને સારવાર આપવામાં આવી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ દર્દીઓની સારવાર પાછળ 2097 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. આ યોજનામાં 1700 પ્રકારની બિમારીઓ આવરી લેવામાં આવી છે.
સરકાર દ્વારા આ પ્રકારની હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલવામાં આવ્યો નથી
ખાનગી હોસ્પિટલો સરકાર અને દર્દી એમ બંને પાસેથી પૈસા વસૂલતી હતી. વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ ખાનગી હોસ્પિટલ દર્દીઓ અને સરકાર બંને પાસેથી પૈસા વસૂલતી હોવાની રજૂઆત કરી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘મા યોજના’ માં છેલ્લા એક વર્ષ દરમિયાન આશરે 1,94,591 દર્દીઓને સારવાર અપાઇ હતી.
આ પેટે રાજય સરકારે રૂ. 2097 કરોડનો ખર્ચ કર્યો હતો. સરકાર અને દર્દીઓ બંને પાસેથી પૈસા વસૂલતી હોસ્પિટલ સામે સરકારે પગલા ભર્યા હોવાનું પટેલે અંતમાં કહ્યું હતું. તેમણે 6 હોસ્પિટલના લાઈસન્સ સસ્પેન્ડ કર્યાની માહિતી આપી હતી.