જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ અને વિવેકનો ગ્રહ માનવામાં આવે છે. લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો બુધ પાવરફૂલ હોય છે. બુધ ગ્રહ સૂર્યની આસપાસ જ રહે છે. બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યા છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુદ્ધિ અને ડહાપણના ગ્રહ બુધના ગોચરથી બધી જ રાશિઓ પર અસર પડશે. જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે.
મેષ રાશિ.
મેષ રાશિના જાતકોના સાતમા ભાવમાં બુધનું પરિવર્તન થશે. આ સમયે તમારે તમારી વાણી પર કાબુ રાખવાની જરૂર પડશે. શક્ય હોય તો કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન બોલવા. જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે, તેને કારણે ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. સરકારી કર્મચારી જાતકે પણ સતર્ક રહેવું. લેવડ-દેવડનો હિસાબ ચોખ્ખો રાખવો.
વૃષભ રાશિ.
તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર થયું છે. આ ગોચર તમારા માટે શુભ પુરવાર થઈ શકે છે. ખાસ કરીને કોમ્યુનિકેશન અને આર્ટ્સ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે આ ગોચર સારુ પુરવાર થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. શારીરિક રીતે પણ તમે ઉર્જાથી તરબતર રહેશો. તમારા વિરોધીઓ પર વિજય મેળવી શકશો. આ ગાળામાં તમને નામના અને પ્રસિદ્ધિ મળી શકે છે.
મિથુન રાશિ.
બુધ તમારી રાશિનો સ્વામી છે. તે પોતાની રાશિ કન્યામાંથી નીકળીને તુલામાં ગયો છે. તમારા પાંચમા ભાવમાં બુધનું આગમન તમારા માટે પડકારજનક રહેશે. પર્સનલ લાઈફમાં તમારે અમુક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડી શકે છે. આ ગાળામાં સ્ટ્રેસ વધી શકે છે. શક્ય છે કે નવી યોજનાઓ પાર ન પડે. વ્યવસાયિક રીતે પણ તમને આર્થિક નુકસાનની શક્યતા છે. તમારો કોન્ફિડન્સ થોડો નબળો પડી શકે છે. સંતાન અંગે ચિંતા વધી શકે છે.
કર્ક રાશિ.
તમારા ચોથા એટલે કે સુખ ભાવમાં બુધનું આગમન થશે. આ સમયે વારસાગત સંપત્તિ કે જે સંપત્તિમાં તમે ઈન્વેસ્ટ કર્યું હોય તેનાથી લાભ મળી શકે છે. આ સમયે તમારી કાર્યક્ષમતા, ઉર્જા ઓછી રહેશે. થોડી આળસનો અનુભવ કરશો. ખર્ચ વધતા ચિંતા વધશે. મિત્રો સાથે સમય ગુજારવાથી થોડી રાહત મળશે.
સિંહ રાશિ.
સિંહ રાશિના ત્રીજા ભાવમાં બુધનું આગમન થશે. આ સમય તમારી આર્થિક પરિસ્થિતિનું આકલન કરવાનો છે. સ્થિતિ સુધારવા માટે અમુક બાબતો પર ફેરવિચાર કરવો પડશે. અમુક બાબતોમાં નવી શરૂઆત કરવી જ લાભદાયક રહેશે. રોમેન્ટિક જીવન આ ગાળામાં સામાન્ય રહેશે. તમે જીવનસાથીને પૂરતો સમય ન આપી શકો એવી શક્યતા છે. નાના-મોટા પ્રવાસના પણ યોગ છે. જો કે આ પ્રવાસ ધાર્યા મુજબનો ન રહે તેવી પણ શક્યતા છે.
કન્યા રાશિ.
કન્યા રાશિનો સ્વામી બુધ છે. તે હવે તમારા બીજા એટલે કે ધન ભાવમાં ગોચર કરશે. આ કારણે તમારા માટે આર્થિક લાભના યોગ બન્યા છે. સંપત્તિને લગતી લેવડ દેવડના મામલામા તમે તગડો નફો કમાઈ શકો છો. જે જાતક કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ સારો રહેશે. તમને નજીકના સંબંધી તરફથી કોઈના કોઈ સ્વરૂપે લાભ મળી શકે છે.
તુલા રાશિ.
તમારી જ રાશિમાં બુધનું ગોચર થઈ રહ્યું છે. આ ગાળામાં તમારા મગજમાં વ્યવસાયને વિસ્તારવાની યોજના તૈયાર થઈ શકે છે. આદ્યાત્મિકતા તરફ ઝુકાવ વધી શકે છે. ગુસ્સાને કાબુમાં રાખવાની જરૂર પડશે. કાર્યસ્થળે કોઈની સાથે વાદ-વિવાદ કરવાનું ટાળો. જરૂર પડે તો કૂટનીતિનો ઉપયોગ કરીને વચલો રસ્તો અપનાવો.
વૃશ્ચિક રાશિ.
તમારી રાશિના 12મા સ્થાનમાં બુધ આવી રહ્યો છે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. બચત કરવી તમારા માટે મુશ્કેલ થશે. શક્ય છે કે તમે કોઈ પ્લાનમાં મૂડી રોકાણ કરવાનો વિચાર કરો. પર્સનલ લાઈફમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે વ્યવહારિક રીતે ઘણા શાંત રહેશો. આ ગાળામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું નહિ તો મુશ્કેલીમાં પડશો. રોમેન્ટિક લાઈફ પણ સામાન્ય રહેશે.
ધન રાશિ.
લાભ સ્થાનમાં આવીને બુધ ધન રાશિના જાતકો પાસે કોઈ માંગલિક કાર્ય કરાવશે. લગ્ન કરવા માંગતા જાતકો માટે શુભ યોગ છે. વ્યવસાયિક દૃષ્ટિએ પણ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય રાખો જ છો. સાથી સાથે સારો સમય ગાળવા મળશે. તમારુ સ્વાસ્થ્ય ઘણું સારુ રહેવાના આસાર છે.
મકર રાશિ.
મકર રાશિના જાતકો માટે બુધ કાર્ય ક્ષેત્રમાં આગમન કરશે. દસમા સ્થાનમાં બુધના ગોચરથી કામના ક્ષેત્રે તમારી ઉન્નતિ થશે. આ સમયે તમે પડકારોનો બરાબર સામનો કરી શકશો. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. કોઈ પણ કામમાં જોખમ ન ઉઠાવશો, ઉતાવળે નિર્ણય ન કરવા.
કુંભ રાશિ.
ભાગ્ય સ્થાનમાં બુધનું ગોચર સૂચવે છે કે તમને ભાગ્યનો સાથ મળી રહેશે. જો કે એ પણ શક્ય છે કે ધાર્મિક રીત રિવાજો તરફ તમારો ઝુકાવ ઘટી શકે છે. આ ગાળામાં જીવનસાથીનો ભરપૂર સાથ મળી રહેશે. જે જાતકોના લગ્ન નથી થયા, જે વિવાહ કરવા માંગે છે તેમના માટે સમય અનુકૂળ છે.
મીન રાશિ.
મીન રાશિના જાતકો માટે બુધ આઠમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. તમને આકસ્મિક ધનલાભ થશે. કોઈ જૂનો વિવાદ સૂલઝી શકે છે. અદાલતનો ચુકાદો તમારી તરફેણમાં આવશે. આ સમયે તમે તમારા વિરોધીઓ, પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી શકશો. સામાજિક દૃષ્ટિએ પણ તમારા ઘણા વખાણ થશે. અમુક નિશ્ચિત સમયમાં તમે તમારા લક્ષ્ય હાંસલ કરી શકશો.