અરડૂસી ને સંસ્કૃત માં વાસક અથવા વાસા કહેવાય છે. બંગાળ બાજુ અરડૂસીના છોડ ઘણા જોવા મળે છે. તેના છોડ ચાર પાંચ ફૂટથી ઊંચા થાય છે. તેનાં પાન ત્રણથી ચાર ઈંચ લાંબા તથા એક થી દોઢ ઇંચ જેટલા પહોળા હોય છે. તેની ડાળી ઉપર ગાંઠો હોય છે. એનું લાકડું સફેદ હોય છે. એનાં પાન જમરૂખ નાં પાનને મળતા આવે છે. દવાના કામમાં એનાં પાન તથા ફૂલ વપરાય છે. સ્વાદમાં એ કડવા હોય છે. એનાં પંચાંગની રાખ બનાવીને દવામાં વપરાય છે. એનાં પાન તાજા તથા પુષ્ટ પાન નો ઉપયોગ કરવો જોઈએ.
કાચાં કુમળા પાન માં દવાની અસર ઘણી ઓછી થાય છે. એવું ફળ જંગલી ઉંબરાની જેવડું પણ લીલા રંગનું થાય છે. એના બીજ નાના તથા ચપટી થાય છે. અરડૂસી એક ઘરગથ્થું ઔષધ છે. અરડૂસી ગુણ માં રક્તસ્તંભક,તાવ મટાડનાર, ઉત્તેજક અને કફને કાઢનાર છે. કટુ, તથા શ્વાસ મટાડવા નો એમાં ગુણ છે. અરડૂસીનાં પાન મધ માં ચોળી આપવાથી અતિસાર, રક્તાતિસાર અને ત્રિદોષ મટે છે. એનાં પાન તથા ફૂલનો રસ મધ સાથે આપતા કફ, પિત્ત, તાવ તથા કમળામાં ઘણી રાહત થાય છે.
શ્વેતપ્રદર માટે એના મૂળ ઘણા ઉપયોગી છે. તેની બનાવટો ક્ષય, ખાંસી, શ્વાસ રક્તપિત્ત માટે પ્રસિદ્ધ છે. ખાંસીમાં પડતું લોહી કે પછી લોહીની ઊલટીને પણ તે મટાડે છે. ક્ષય દરદીને એના તાજો રસ આપવાથી પણ સારો લાભ થાય છે. એ કફ છૂટો પાડી ખાંસી ઘટાડે છે અને દરદીને રાત્રે સારી ઊંઘ આવે છે. બાળકોની સસણી માં પણ એનો ફૂટપાક બનાવી દૂધ સાથે આપી શકાય. કોઈ કારણસર પેશાબ ઓછો આવતો હોય અથવા લાલ આવતા હોય ત્યારે એનાં મૂળ કવાથ ઉત્તમ અસર બતાવે છે.
એ હૃદયને બળ આપે છે. છાતીમાં જામેલો કફ તે જગ્યાએ એનાં પાન બાંધવાથી છૂટો થઈ જાય છે. આમ વાતમાં પણ એનાં પાન વાટીને લેપ કરી શકાય. અરડુસી, કાળી દ્રાક્ષ અને હરડે એ દરેક પાંચ પાંચ ગ્રામ લઇ સર્વે ખાંડી લેવું. પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળામાં મધ અને સાકર નાખવા, ખાસ કરીને બાળકો માટે આ ઉકાળો ખૂબ જ ઉપયોગી થાય છે. બાળકોને તાવ, ઉધરસ પર અકસીર અસર બતાવે છે.
અરડૂસીનાં પાન, લીલી ગળો અને બેઠી ભોરિંગણી ના મૂળ એ દરેક ચીજ દસ દસ ગ્રામ લઈ તેને અડધા લિટર પાણીમાં ઉકાળવું અને પા ભાગમાં બાકી રહે ત્યારે તેને ઉતારી લેવું. આ રીતે બનાવાયેલી કાઢો તાવ, ખાંસી પર અપાય છે. અરડૂસીનાં પાનનો રસ ૫૦ ગ્રામ, ૫૦ ગ્રામ ખડી સાકર, ૧૦ ગ્રામ લીડીપીપર, તાજું ગાયનું ઘી અઢીગ્રામ લેવું. એ બધું ભેગું કરી ઉકાળવું. છેવટે તેમાં મધ ઉમેરવું. આ રીતે બનાવાયેલા ચાટણ નો ઉપયોગ કરવાથી ફેફસાંને તાકાત મળે છે. તેનો ધીમા તાવ પર પણ ઉપયોગ થાય છે. એનાથી વધુ પડતો કફ પણ બંધ થાય છે.
અરડૂસીના લીલા પાનને છૂંદીને તેનો ગોળો બાંધી તેના ઉપર વડ અથવા જાંબુડાના લીલાં પાંદડાં લપેટવા પછી તેને ઉપરથી પાતળા દોરા સાથે લપેટવા. તેની ઉપર કાળી માટીનો લેપ કરી તેને અગ્નિમાં બાફી નાખવો. બફાયા પછી તે માટી ઉખાડી લેવી અને અંદર જે માવો નીકળે તેમાં મધ મેળવવાની. આ રીતે બનાવેલો પાક લોહીના ઝાડા, ઉલટી, તાવ, ખાંસી, દમ, હાંફણ, શ્વાસ તથા ક્ષય રોગ માટે ખૂબ જ અસરકારક છે. મધ સાથે એનો ઉપયોગ કરતાં ઘણી સારી અસર જણાય છે.