વાવના રામકથાકાર બટુક મોરારી બાપુનો એક ધમકીભર્યો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી 1 કરોડની ‘ખંડણી’ માંગતા જોવા મળી રહ્યા છે. બટુક મોરારી બાપુ વિડીયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે, જો સાત દિવસમાં તેમને 1 કરોડની દક્ષિણા પહોંચાડવામાં આવશે તો જ ગુજરાતમાં પટેલનું રાજ રહેશે. આ સિવાય મુખ્યમંત્રી અકસ્માતમાં માર્યા જશે તે પણ વિડીયોમાં ધમકી આપતા જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો સોશિયલ મીડિયામાં એક વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. તે વિડીયોમાં બોલી રહ્યા છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપુ છુ અને તેની સાથે પોતાનો મોબાઈલ નંબર પણ જણાવી રહ્યો છે. તેના પછી તે તેમાં મોબાઈલ નંબર બોલતા પણ જોવા મળે છે.
તેની સાથે સીએમને ધમકી આપતા જણાવ્યું હતું કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે તે રીતે મોકલાવી દો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ અને તમે પણ અકસ્માતમાં માર્યા જશો તેવી ધમકી આપવામાં આવી હતી. તમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ અને એક રૂપિયો પણ ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5 મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલીને મને 1 કરોડ દક્ષિણા રૂપે મોકલાવી દેજો. તો જ ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલું છું. મહેશ ભગત…
પોલીસ દ્વારા હાલમાં આ વિડીયો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિડીયોમાં બટુક મોરારી બાપુ જે નંબર જણાવી રહ્યા છે, તે હાલમાં બંધ છે અને બટુક મોરારી બાપુ પોતે પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ વિડીયો ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો છે તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટૂંક જ સમયમાં બટુક મોરારી બાપુને ઝડપી લેવામાં આવશે.