ખોડિયાર મંદિર વિશે આજે જે તમે જાણવા માંગો છો એ માહિતી આજે અમે તમને બતાવીશું જેથી તમે ત્યાં જઈ શકો મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં.
જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું. મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા. આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા.
મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં.
દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.
સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો.
સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો
વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.
નિર્માણ
લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.
માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.
ખોડિયાર માતાજીનું મંદિર, માટે વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે.
આરતીનો સમય
- મંગળા આરતી- સવારે 5.30 વાગ્યે,
- સંધ્યા આરતી- સાંજે 7 વાગ્યે (સંધ્યા સમયે)
દર્શનનો સમય: સવારના 5.30 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી
કેવી રીતે પહોંચવું
જમીન માર્ગ: મોરબી જિલ્લાના વાંકાનેરથી 17 કિલોમિટર દૂર માટેલ આવેલું છે. અમદાવાદથી માટેલ બે રસ્તાથી જઈ શકાય છે. અમદાવાદથી વાયા ચોટીલા-બામણબોર-વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (197 કિમી). જ્યારે બીજો રસ્તો અમદાવાદથી વાયા વીરમગામ-હળવદ-વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (224 કિમી.).
દક્ષિણ ગુજરાતથી માટેલ જવું હોય તો વડોદરા થઈને વાયા બગોદરા-ચોટીલા થઈને માટેલ પહોંચી શકાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટથી વાયા વાંકાનેર થઈને માટેલ પહોંચી શકાય છે (77 કિમી). વાંકાનેરથી માટેલ જવા એસટી બસ પણ મળે છે.
નજીકનું રેલવે સ્ટેશન: માટેલનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન વાંકાનેર છે. જ્યાંથી માટેલ રોડ રસ્તે 17 કિલોમિટર દૂર છે.
નજીકનું એરપોર્ટ: માટેલથી સૌથી નજીક રાજકોટ એરપોર્ટ છે. જ્યાંથી માટેલ 77 કિલોમીટર દૂર છે.
લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે
નજીકનાં મંદિરો
- રફાળેશ્વર મહાદેવ મંદિર 15 કિમી.
- ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, તરણેતર 33 કિમી.
- ચામુંડા માતાજી મંદિર ચોટિલા, 57 કિમી.
દર્શને આવતા ભક્તોને બે ટાઈમ મફતમાં ભોજન કરાવવામાં આવે છે
રહેવાની સુવિધા છે: મંદિરમાં અન્નક્ષેત્ર કાર્યરત છે, જ્યાં દર્શને આવતા ભક્તોને બે ટાઈમ મફતમાં ભોજન કરાવવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. મંદિર પરિસરમાં જ 100 જેટલા રૂમની ધર્મશાળા છે, જ્યાં રહેવાનો કોઈ ચાર્જ નથી. માતાજીને લાપસી પ્રિય છે, એટલે ભક્તો લાપસીનો પ્રસાદ ધરે છે. ભક્તો આવીને જાતે લાપસી અને ભોજન બનાવી શકે એવી પણ વ્યવસ્થા છે. ગૌશાળામાં દોઢસો ગાયોનું દૂધ અને ઘી શ્રદ્ધાળુઓ માટે વપરાય છે.