શુભ પરિણામો આપવા માટે જાણીતો ગુરુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બૃહસ્પતિના રાશિ પરિવર્તન સમયે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હશે જે ગુરુનું નક્ષત્ર છે. ગુરુ આ સમયે બળવાન અવસ્થામાં હશે. જેને ગુરુ યોગકારી છે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મળશે. જાણો તમારી રાશિ માટે ગુરુનું રાશિ પરિવર્તન કેવુ પુરવાર થશે.

મેષ.

તમારી રાશિના આઠમા ભાવમાં ગુરુનું ગોચર અશુભ ફળ આપી શકે છે. તમારે પ્રારંભિક સંઘર્ષ કરવો પડશે પરંતુ સમય વીતતા પરિસ્થિતિ થાળે પડી જશે. આ ગાળામાં તમને સામાન્ય ફળ મળશે. કોઈપણ નવી યોજના અમલમાં મૂકતા પહેલા શુભ ચિંતકોની સલાહ અવશ્ય લેવી. ‘ॐ बृं बृहस्पतये नमः’ મંત્ર 108 વાર જાપ કરવાથી તકલીફો હળવી થશે.

વૃષભ.

તમારી રાશિના સાતમા ભાવમાં ગુરુના ગોચરથી તમને જીવનના દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતા મળશે. નોકરી, વ્યવસાય ક્ષેત્રે ચારે દિશામાં સફળતા મળશે. યાદ રાખો તમારે શનિની ઢૈયા ચાલી રહી છે આથી થોડી સાવધાની રાખવી જરૂરી છે. વિદેશથી જોડાયેલા કામકાજમાં કાળજી રાખવી.

મિથુન.

તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર બહુ શુભ ફળ આપનારુ નથી. રોગ, શત્રુથી મુશ્કેલી અને કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. પાચન સંબંધી સમસ્યા ધરાવતા જાતકોએ વિશેષ કાળજી રાખવી. સાવધાનીથી કાર્ય કરશો તો ધનલાભ થશે. રામ રક્ષા સ્તોત્રના નિયમિત જાપથી તમને ફાયદો થશે.

કર્ક.

ગુરુનું પાંચમા ભાવમાં ગોચર મિશ્રફળ આપશે. આ દરમિયાન તમારા મનમાં વિચારોનો દ્વંદ્વ ચાલ્યા કરશે જે તમારુ ધ્યાન વિચલિત કરી દેશે. આ કારણે તમે કોઈ પણ કિંમતે સફળતા મેળવવાની કોશિશ કરશો પરંતુ સફળ નહિ બની શકો. સંતાનની ચિંતામાં વધારો થાય. પ્રારંભિક તબક્કે આ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તમને પાછળથી તમામ પ્રકારની સફળતા ગુરુ મહારાજ અપાવશે. વિષ્ણુ સહસ્ત્રનામના નિયમિત જાપથી ફાયદો થશે.

સિંહ.

તમારા માટે આ ગોચર શુભ ફળ પ્રદાન કરનારુ પુરવાર થશે. તમારે તમારી વર્તમાન સ્થિતિ જાળવી રાખવા સંઘર્ષ કરવો પડશે. જમીન, મકાન સંબંધિત કામમાં સાવધાની રાખવી નહિં તો વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. માતા તથા પત્નીના સ્વાસ્થ્યની ચિંતા ઊભી થાય. ગુરુવારે પીળા ચોખાનું દાન કરવાથી લાભ થાય.

કન્યા.

આ ગોચર તમને સંઘર્ષ બાદ ઝળહળતી સફળતા અપાવશે. તમારા માટે આ ગોચર આર્થિક વિકાસનો માર્ગ ખોલી દેશે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં ઓટ આવી શકે છે. મૃત્યુંજય મંત્રના જાપથી તમને વિશેષ લાભ થશે.

તુલા.

તમારા માટે આ ગોચર સફળતાના દરવાજા ખોલી દેશે. નોકરી શોધતા હશો તો આ ગાળામાં સારી નોકરી મળી જશે. વ્યવસાયના ક્ષેત્રે પણ સારી સફળતા મળશે, નવા વ્યવસાયનો માર્ગ મોકળો થશે. પરિવારના સદસ્યોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી નહિં તો સફળતાની મજા બગડી જશે.

વૃશ્ચિક.

ગુરુનું આગમન તમારી રાશિમાં થઈ રહ્યું છે. આ ગોચર તમને મિશ્રફળ આપશે. તમને વ્યવસાયમાં હાનિ, નોકરીમાં સંકટ, ખર્ચ વધવાની સમસ્યાથી ચિંતા ઉપજી શકે છે. આ ઉપરાંત પત્નીના સ્વાસ્થ્યની કાળજી રાખવી. જો કુંડળીમાં ગુરુ મજબૂત હશે તો આ ગાળામાં આર્થિક, સામાજિક પ્રગતિ થશે.

ધન.

આ ગાળામાં તમારામાં આદ્યાત્મિકતાનો વધારો થશે. આ ગાળામાં દરેક નિર્ણય સમજી વિચારીને લેવુ. શક્ય હોય તો જોખમ ભરેલુ કામ કરવાથી બચવું. મહાદેવની નિયમિત પૂજા કરવાથી તમને ધન લાભ થશે.

મકર.

તમારા માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. તમારા લાભ સ્થાનમાં ગુરુના આગમનથી તમને આ ગાળામાં વિકાસની અનેક તકો મળશે. રોજગાર, યશ, પ્રસિદ્ધિ, ધન દોલત દરેક ક્ષેત્રે તમારી સફળતા નિશ્ચિત છે. બીજે ભટક્યા વિના તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું.

કુંભ.

આ ગોચર તમને સામાન્ય ફળ આપશે. નોકરી વારંવાર બદલવાથી નુકસાન થશે. તમને વિદેશ ગમનનો મોકો મળશે. ધંધો કરનારા જાતકોને શરૂઆતમાં થોડી સમસ્યા નડશે. પછી પાછળથી સામાન્ય પરિણામ મળશે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા જાતકોએ આ ગાળઆમાં ખાસ સંભાળવું. મૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી લાભ થાય.

મીન.

તમારા દરેક પગલે ભાગ્ય તમારો સાથ આપશે એ નિશ્ચિત છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. શિક્ષા, પત્રકારિતા, કપડાના બિઝનેસ, આયાત નિકાસનું કામ કરનારાઓ માટે આ સમય સુવર્ણકાળ પુરવાર થશે. વિષ્ણુ ભગવાનના દર ગુરુવારે દર્શન કરવાથી તમને વિશેષ લાભ થશે.

Write A Comment