હથેળીમાં રહેલી રેખાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણીબધી બાબતો જણાવી જાય છે. અમે અહીં જણાવીશું કે હથેળીમાં કેવા પ્રકારના નિશાન કે રેખાઓ હોય જેનાથી વ્યક્તિ રાજા જેવું સુખ ભોગવે છે.
હથેળીમાં ઘોડાનું કે રથનું નિશાન હોય તે વ્યક્તિને રાજયોગનું સુખ મળે છે. જેમની હથેળીમાં ધનુષ, કમળ કે ફૂલનું નિશાન હોય તે વ્યક્તિને પણ રાજયોગનું સુખ મળી શકે છે. આવી વ્યક્તિ શાસનકર્તા બને છે.
જેમની હથેળીમાં કોઈ રેખા મણિબંધ રેખાથી શરૂ થઈ શનિ પર્વત સુધી જતી હોય તે વ્યક્તિ પણ રાજ સુખ પ્રાપ્ત કરે છે. આ લોકોના જીવનમાં ધન વૈભવની ઊણપ રહેતી નથી. જેમની હથેળીમાં સૂર્ય રેખા મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખાની મદદથી તે ભાગમાં ચતુષ્કોણ બનતો હોય તો તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે.
હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત પર ઉભાર હોય તે વ્યક્તિ પણ પોતના જીવનમાં સુખ-સુવિધા પ્રાપ્ત કરે છે. હથેળીમાં શનિ પર્વત પર માછલી અને ત્રિશૂલનું નિશાન શું સૂચવે છે?
હથેળીમાં શનિ પર્વત રહેલા વિવિધ નિશાન શું સૂચવે છે તેના વિશે અહીં જણાવીશું.
હથેળીમાં શનિ પર્વત વિકસિત હોય તે વ્યક્તિ માટે શુભ માનવમાં આવે છે. આવી વ્યક્તિ એન્જિનિયર, વૈજ્ઞાનિક કે સાહિત્યકાર બને છે. હથેળીમાં શનિ પર્વત ઉપર મંદિરનું નિશાન હોય તે વ્યક્તિ ભવિષ્યમાં સારો નેતા બની શકે છે. રાજકારણમાં તે ઉચ્ચ પદ મેળવે છે.
હથેળીમાં કોઈ પણ જગ્યાએથી શરૂ થયેલી રેખા શનિ પર્વત સુધી જાય તેને ભાગ્ય રેખા કહેવાય છે. આ રેખા દ્વારા શનિ પર્વત પર ત્રિશૂલ બનતું હોય તે વ્યક્તિ ભાગ્યશાળિ હોય છે. આવી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. એકથી વધારે જગ્યાએથી આ લોકોને આવક થાય છે. આવી વ્યક્તિ ધનવાન બને છે. ઓછી મહેનતમાં આ લોકોને વધુ મળે છે. સમાજમાં આવા લોકોને માન-સન્માન મળે છે.
શનિ પર્વત પર ત્રિકોણનું નિશાન હોય તે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. સંશોધનના કાર્યમાં આવી વ્યક્તિ રૂચિ ધરાવે છે. શનિ પર્વત ઉપર ક્રોસનું નિશાન હોય તે વ્યક્તિને ધટનાનો પૂર્વાભાસ થઈ શકે છે. ભવિષ્યમાં થનાર ઘટનાનો આવી વ્યક્તિને થોડો ખ્યાલ આવી જાય છે.
શનિ પર્વત ઉપર માછલીનું નિશાન ધરાવતી વ્યક્તિ શિસ્તબદ્ધ જીવન જીવે છે. પોતાની કોઈ ખાસ વિશેષતાને કારણે તેઓને લોકપ્રિયતા મળે છે.