આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આપણે ત્યાં ખેરનાં કાંટાદાર, ખરબચડી છાલવાળા મધ્યમ કદનાં વૃક્ષો પંજાબથી લઈને સિક્કિમ સુધી આશરે પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધીનાં પ્રદેશોમાં જોવા મળે છે. ખેરનાં વૃક્ષો ચાર જાતનાં થાય છે. જેમાંથી લાલ ખેર કે જેમાંથી સફેદ કાથો પ્રાપ્ત થાય છે, તે ઉત્તમ ગણાય છે.
આયુર્વેદ પ્રમાણે ખેર સ્વાદમાં કડવો અને તૂરો શીતળ , ભૂખ લગાડનાર , પચવામાં હળવું . કફ – પિત્ત શામક , દાંત માટે હિતકર , ગર્ભાશયની શિથિલતા દૂર કરનાર, ખંભક અને રક્ત શુદ્ધિકર છે . તે મંદ, કૃમ, તાવ, સોજ, રક્તસ્રાવ, ચામડીના રોગો, પિત્ત અને રક્તનાં રોગો વગેરેને મટાડનાર છે. રાસાયણિક દ્રષ્ટિએ ખેરનાં સારમાંથી ૩ થી ૧૦% કાથો પ્રાપ્ત થાય છે . ખેરનાં સારમાં કેટચિન ૪–૭ % તથા કેટયુટેનિક એસિડ ૫૦ % હોય છે . જે તેનાં ઔષધિય ગુણો માટે જવાબદાર ગણાય છે.
ખેર ચામડીના રોગોનું અક્સીર ઔષધ છે. ચામડીના કોઈપણ વિકારમાં ખેરની છાલનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે લેવું . ચામડીનો રોગ સર્વ શરીરમાં ફેલાયો હોય તો ખેરની છાલનો ઉકાળો બનાવીને . એ ઉકાળો નહાવાનાં પાણીમાં મેળવીને તેનાથી સ્નાન કરવું. જો કોઈ એક ભાગ અધિક દૂષિત થયો હોય અને તેમાંથી રસી, પરુ, લોહી કે કફ ઝમતા હોય તો તે ભાગને ખેરનીછાલમાં ઉકાળાથી ધોવો જોઈએ.
જે સ્ત્રીઓને અતિ પ્રસવ, અતિ સંભોગ કે પ્રદરને કારણે ગર્ભાશય શિથિલ થઈ ગયું હોય તેમને માટે ખેર આશીર્વાદ સમાન છે . ખેર તૂરા રસ યુક્ત હોવાથી ગર્ભાશયની શિથિલતા દૂર કરે છે. આ તકલીફમાં સ્ત્રીઓએ ખેરની છાલનાં ઉકાળાનું સવાર – સાંજ સેવન કરવું અથવા ખદિરારિષ્ટ નામની પ્રવાહી દવા ( જે બજારમાં તૈયાર મળી રહે છે). જમ્યા પછી એકાદ કલાકે થોડું પાણી ઉમેરીને પી જવી . ઘણી સ્ત્રીઓને ગર્ભાશયની શિથિલતાને લીધે ગર્ભાશયમાં ગર્ભ ટકતો નથી. ત્રણ ચાર મહિને જ કસુવાવડ થઈ જાય છે . આવી સ્ત્રીઓ માટે પણ આ ઉપચાર લાભદાયક છે.
સફેદ કોઢનાં દર્દીઓ પણ જો લાંબા સમય સુધી સવાર – સાંજ ખેરની છાલનો ઉકાળો પીવે અને સ્નાનમાં તેનો ઉપયોગ કરે તો અવશ્ય લાભ થાય છે . ખેરની છાલનો ઉકાળો આ પ્રમાણે બનાવવો . બે ચમચી ખેરની છાલનાં ભૂક્કાને એક ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળવો . ઉકળતા આશરે અડધો કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ગાળી, ઠંડો પાડી તે ઉકાળો પી જવો .
દાંત અને મુખના રોગોમાં ખેરની છાલનો ઉકાળો મુખમાં ભરી રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. દાંત હલતા હોય , દાંતમાં કળતર થતી હોય, મુખમાંથી દુર્ગધ આવતી હોય , દાંત અને પેઢામાંથી રક્તસ્રાવ થતો હોય તેમણે આ પ્રમાણે ખેરનો ઉકાળો પાંચથી દસ મિનિટ સુધી મોઢામાં ભરી રાખવો . ખેર છાલનો ઉકાળાને બદલે ઉત્તમ અને અસલી કાથો પાણીમાં મેળવીને પણ મુખમાં રાખી શકાય છે .
કાથો કુદરતી રીતે તમારા મોં ની ગરમી દુર કરે છે અને આ જ કાથો મોં ના ચાંદા દુર કરવામાં અકસીર ભાગ ભજવે છે. મોં ના જે ભાગ પર ચાંદા પડ્યા હોય. તે ભાગ પર કાથો લગાવો. તેમજ થોડી વાર ૧૦-૧૫ મિનીટ રહેવા દઈને કોગળા કરી નાખો. આ પ્રક્રિયાથી જરૂર તમને ફાયદો થશે.