આ જમાનામાં દુધના ભાવો કૂદકે ને કૂદકે વધી રહ્યા છે ત્યારે અમૂકલોકો એમની જૂની પરંપરાગત રીતે હજુ પણ દુધનું વેચાણ કરતા નથી, ત્યારે આજે વાત કરીશું એક એવા ગામની જ્યાં દૂધની નદીઓ વહે છે પણ એ દૂધ કોઈ વેચી ના શકે પણ હા તેને જરૂરિયાત મંદ લોકોને વહેચી શકે છે.
આજના સમયમાં પાણી મફતમાં નથી મળતું તો દૂધ કેવી રીતે મફત મળી શકે? પરંતુ, મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં દૂધ વેચવામાં આવતું નથી પણ મફત વહેંચવામાં આવે છે. લગભગ 3 હજારની વસતી ધરાવતા ચૂડિયા નામના આ ગામમાં દૂધનો વેપાર કરવામાં નથી આવતો, ત્યાં દૂધનું જેટલું ઉત્પાદન થાય છે તેનો પ્રથમ ઉપયોગ પરિવાર માટે કરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોમાં તેની વહેંચણી કરવામાં આવે છે.
આ ગામમાં કોઈપણ વ્યક્તિ દૂધ વેચવાનું કામ નથી કરતો. આ ગામના પુરોહિત શિવચરણ યાદવ જણાવે છે કે આજથી લગભગ 100 વર્ષ પહેલા અહીં એક સંત રહેતા હતા. તેઓ ગાયની સેવા કરતા હતા અને તેમના કહેવાથી આ ગામમાં દૂધના વેચાણ પર પ્રતિબંધ છે. એવી માન્યતા છે કે જો અહીં દૂધનો વેપાર કરવામાં આવશે તો નુક્સાન થશે.સંતના કહેવા મુજબ જો ગામના લોકો દૂધનો ઉપયોગ તેમના ઘરમાં જ કરશે તો તેઓ સ્વસ્થ રહેશે.
આ ગામના ખેડૂત સુભાષ પટેલના કહેવા મુજબ ગામનો એકપણ પરિવાર દૂધનું વેચાણ નથી કરતો. જો અહીં દહીં બનાવવામાં આવે તો તેની પણ વહેંચણી કરવામાં આવે છે. પરંતુ, જેની પાસે દૂધ બચે છે તેઓ ઘી નીકાળીને બજારમાં વેચી આવે છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે માટે તેઓને કોઈ પ્રકારની આર્થિક સમસ્યા પણ નથી.