આજના યુગમાં કસરતનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. લોકો પરંપરાગત વ્યાયામ છોડીને વેસ્ટર્ન જિમ તરફ વળ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમજ પરંપરાગત રીતે ચાલતા અખાડામાં અને વ્યાયામ શાળામાં આજે પણ મલખમનું ખાસ સ્થાન રહેલું છે. ભારતીય કસરતમાં વપરાતા સાધનો જેવા કે મલખમ અને તેમાં પણ ખાસ કરીને ગદા નેધરલેન્ડના આ ખેલાડી હરબર્ટ એગબર્ટને અતિ પ્રિય છે. તે છેલ્લા ચાર વર્ષોથી ગદા અને મલખમની ટ્રેનિંગ લેવા ભાવનગર આવે છે.
હરદેવસિંહ રાણા એ વધુ માહિતી આપતા કહયું હતું કે હરબર્ટ નેધરલેન્ડના આર્મ્સલેન્ડનો રહેવાસી છે. તે ભારતીય સંસ્કૃતિ માં ગદાના મહત્વને દુનિયાભરમાં પ્રચાર કરે છે. તે દર વર્ષે કઈક નવું શીખવા માટે ભારત આવે છે અને શહેરના અલગ -અલગ અખાડાઓની મુલાકાત લે છે અને જે કઈ નવું શીખવા મળે તો તે શીખે છે.
આ ગદાના અભ્યાસ વિષે તેણે ઇન્ટરનેટ પર જોયું હતું અને ત્યારબાદ તેનો સર્વે કરવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પાસે આવ્યો હતો. યુવરાજ પાસે હજી પણ જુના જમાનાના મલખમના અખાડા છે અને તેમાં જ તેઓ કસરત કરે છે. તેમની પાસે આ કસરતો માટે વપરાતા જુના ઘણા સાધનો છે. તે દર વર્ષે 45 દિવસ માટે ભારત આવે છે અને ભાવનગરથી શરૂ કરીને વિવિધ શહેરોની મુલાકાત લે છે.
આ વર્ષે તે સુરત અને તે પછી વારાણસી ગયો છે. તેમને મલખમ અને તેની કસરતો ખૂબ જ ગમે છે અને ગદાનું કલ્ચર પણ ઘણું જ વખાણે છે. સુરતમાં પણ ઘણા જૂના અખાડાઓની મુલાકાત તેઓ લેવાના છે. સુરતના ગીતાજયંતી ના કાર્યક્રમ માં પણ તેઓએ હાજરી આપી હતી. સુરતથી વારાણસી જઈને તેઓ ભારતીય સંસ્કૃતિને જાણશે અને તેનો પ્રચાર કરશે.