સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં રહેલા પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો આપણાં શરીરને મોટો ફાયદો પહોંચાડે છે.
ખાસ કરીને ભોજનમાં વપરાતું તલનું તેલ પણ હાડકાંના આરોગ્યમાં ફાળો આપે છે. તલ ગુણમાં શીતળ અને સારક છે. અગ્નિદીપક તથા અલ્પ મૂત્રકારક છે. તલ ખાવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જો કોઇ વ્યક્તિને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવું જોઇએ કારણ કે તલમાં આયર્ન પણ હોય છે જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરે છે.
તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા ઓછી રહે છે. તલમાં આવેલા મોનોસેચુરેટેડ ફેટી એસિટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. હાર્ટની બીમારી સાથે જોડાયેલા લોકોને તલ ખાવા ફાયદાકારક છે. તે આપણા બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.
તલમાં આવેલા વિટામિનથી હાડકા મજબૂત રહે છે. શિયાળામાં તમે તલ ખાવાની ટેવ પાડી લો તો આ વાતાવરણમાં હાડકાના દર્દથી પરેશાન નહીં થાવ. એક ચમચી તલ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે. તલમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનું સ્તર ઉંચુ હોય છે, તેથી તલ ખાવાથી પ્રતિરોધકક્ષમતા વધે છે.
તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે. એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.
તલના તેલને જોશ દઈ મરચાં તથા મસ્તકી સાથે મેળવી કાનમાં ટીપાં ટપકાવવાથી કાનની ધાક ઊઘડે છે. ઈસપગોલ સાથે તલનું તેલ ચોપડવાથી ખૂજલી તથા દાઝી ગયેલા ભાગ પર લગાડવાથી તેમાં ફાયદો થાય છે. માથામાં ઉંદરી થાય ત્યારે તેનું તેલ લગાડવાથી લાભ થાય છે. સિંધવ મીઠા સાથે મેળવીને લગાડતા શીળસ પણ મટે છે. તલનું તેલ ગરમ કરી ગંઠાઈ ગયેલા સાંધા પર લગાડવાથી પણ લાભ થાય છે.
તલ ખાવાથી મગજની તાકાત વધે છે. તેમાં આવેલું લિપોફોલિક એન્ટીઓક્સીડેન્ટ તત્વ મગજ પર ઉંમરની અસર ઝડપી થવા દેતું નથી. વૃદ્ધા અવસ્થામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, ત્યારે તમે રોજ તલ અથવા તલની બનેલી વસ્તુ ખાશો તો તમારી મેન્ટલ હેલ્થ પર તેની સકારાત્મક અસર થઈ શકે છે. ત્યારે તલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેની મદદથી ત્વચાને જરૂરી પોષણ મળે છે.