41 પાનાંનો જૂનો એક ગ્રંથ હવે 4500 પાનાંના 14 ગ્રંથમાં તૈયાર થયો
ગ્રંથ ‘ગુઢાર્થતત્વાલોક’ એ તર્કશક્તિને વિકસિત કરવા માટેનું પ્રશિક્ષણ છે. જેમ વધુ અભ્યાસ થાય તેમ તર્કશક્તિ ખીલતી જાય, અનુમાન કરવાની શક્તિ, પૃથક્કરણ ક્ષમતામાં વધારો થાય છે. આ ગ્રંથ તમને કોઈપણ વસ્તુને ઊંડાણથી વિચારવાનું શીખવે છે. કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચાર, એને ઉપરછલ્લી રીતે જુઓ ત્યારે જુદું સ્વરૂપ દેખાય, પણ ઉંડાણથી જુઓ તો કોઈ વિશેષ સ્વરૂપ દેખાય છે.
41 પાનાંમાંથી 4500 પાનાંનો ગ્રંથ તૈયાર થયો
ઊંડાણથી જોવાની દ્રષ્ટિ ખીલવવાનું કામ આ ગ્રંથ કરે છે તે વિશ્વના મહાન વિદ્વાનો ઉકેલી ન શક્યા, પરંતુ 7 ચોપડી ભણેલા રાજકોટના 21 વર્ષીય જૈન સાધુ ભક્તિયશવિજયજીએ ઉકેલ્યો છે. 18મી સદીમાં પંડિત ધર્મદત્ત ઝાએ ગ્રંથ ‘ગુઢાર્થતત્વાલોક’ સંસ્કૃતમાં લખેલો જે આજે 4500 પાનાંના 14 ગ્રંથમાં તૈયાર થયું.
સામાન્ય માણસનું કામ નથી
વિશ્વનો સૌથી કઠિન મનાતો ગ્રંથ જે સંસ્કૃતમાં લખાયેલો છે તેને સમજવો સામાન્ય માણસનું તો ગજું જ નથી પણ વિશ્વના અનેક વિદ્વાનો જેને સમજી નથી શક્યા. 18મી સદીમાં વિદ્વાન પંડિત ધર્મદત્ત ઝાએ 41 પાનાનો 900 શ્લોક ધરાવતો ‘ગુઢાર્થતત્વાલોક’ ગ્રંથ લખ્યો હતો.
ગૂઢ રીતે લખેલો હોવાથી વિદ્વાનો આ ગ્રંથ ન સમજી શક્યા
આ ગ્રંથ એવો છે, જેમાં દસ લીટીનો એક શબ્દ હોય છે. કઠિન ભાષામાં અને ગૂઢ રીતે લખેલ છે. વચ્ચેના બધા જ સ્ટેપ છોડી દીધા છે અને સીધા છેલ્લા સ્ટેપ પર પહોંચી ગયા છે. ઉદાહરણ તરીકે ક્યાંક H અને O લખ્યા છે, પણ વચ્ચેનું 2 લખ્યું નથી. તમારે વચ્ચેનું બે કલ્પવાનું છે.
H2O ની આખી ફોર્મ્યુલા બનાવવાની છે અને એ સમજવાનું છે કે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ ભેગા થઇ પાણી બને છે. પાછું એ તર્કબદ્ધ પુરવાર કરવાનું છે કે આ ફોર્મ્યુલા આજ છે.
ભક્તિયશવિજયજી આ ગ્રંથ કેવી રીતે સમજ્યા
તેમણે કહ્યું કે, મારી સાથે કોઈ કોઈ રેફરન્સ ન હતા, સહાયક સ્રોત ન હતા, સારુ પ્રિન્ટિંગ નહોતું, પ્રિન્ટિંગમાં ઘણી બધી અશુદ્ધિઓ હતી, ક્યાંય અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કોઈ વિરામચિહ્નો નહોતા. ચિંતન,મથામણ, ગુરુદેવ યશોવિજયસુરિશ્વરજીના આશીર્વાદથી આ શક્ય બન્યું.