તમાલ વૃક્ષ નાં પાંદડાં ને તમાલપત્ર કે તાડપત્ર કહે છે. તેના ઝાડ તજ નાં ઝાડ જેવાં અને હંમેશા લીલાં પાંદડાં વાળા હોય છે. તેના વૃક્ષ હિમાલયમાં સિંધુ નદીના મૂળથી ભુતાન સુધીના પ્રદેશમાં તથા ખાસિયા પહાડો પર થાય છે. શ્રીલંકામાં પણ તેનાં ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનાં ઝાડની ઊંચાઈ ત્રીસ-ચાલીસ ફૂટ હોય છે. તેનાં પાન તજના ઝાડ નાં પાન જેવાં, એક ઇંચ પહોળા, ચાર-પાંચ ઇંચ લાંબાં અને ત્રણ નસોવાળાં હોય છે. તેના ઝાડની છાલ પાતળી, કાળી, ભૂરી, કરચલીવાળી, થોડી ખરબચડી તથા તજના જેવી સુગંધવાળી હોય છે.
બજાર માં તમાલપત્ર બે જાતના મળે છે. એક સિનેમોમ તમાલપત્ર અને બીજા ઓબટુસીફોલિયમ તમાલપત્ર . તમાલપત્ર મસાલા માં તેમજ ઔષધોમાં ઉપયોગ થાય છે. તેનો ગુણ તજ ને મળતો છે. તજ, તમાલપત્ર અને એલચીનો સુગંધી ત્રીજાત માં સમાવેશ થાય છે. તમાલપત્ર ખાસ કરીને આમ પ્રકોપ અને કફપ્રધાન રોગોમાં વપરાય છે. અપચો, ઉદરરોગ, વાત, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે પાચનતંત્ર વિકારો પર તેમ જ સર્વ પ્રકારના કફરોગોમાં તમાલ ૫ત્રે ખૂબ જ ઉપયોગી છે.
તમાલપત્ર મધુર, કિંચિત તીક્ષ્ણ, ઉષ્ણ (ગરમ), ચીકણું અને હલકું છે. એ કફ, વાયુ, ઉબકા , અરુચિ અને સળેખમ ને મટાડે છે. તમાલપત્ર નું ચૂર્ણ પિવડાવવાથી પરસેવો વળે છે અને મૂત્ર ની વૃદ્ધિ થાય છે. તાવની પૂર્વ અવસ્થામાં તેનું ચૂર્ણ પિવડાવવાથી આમ તથા તાવ દોષ દૂર થઈ તાવ આવતો અટકે છે. તમાલપત્ર અને કાંકચ શેકેલા બીનું ચૂર્ણ આપવાથી ઝીણા તાવ નું શમન થાય છે, તાવ મટે છે. તમાલ પત્ર ના 3-4 પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી, જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું બચે ત્યારે તેને ગળીને રોજ ત્રણ વાર પીવું. આનાથી પેશાબ વધુ આવે છે તેમ જ શરીર નો દુખાવો ઓછો થઈ જાય છે.
તમાલ વૃક્ષ ની છાલ અને પીપર નું ચૂર્ણ મધમાં ચાટવાથી કફ ની ઉત્પત્તિ બંધ થાય છે. સળેખમ માટે છે અને પાચન ક્રિયા સુધરે છે. તમાલ વૃક્ષ ની છાલ અને પીપર ચૂર્ણ માં આદુનો રસ તથા મધ મેળવીને ચાટવાથી શ્વાસ રોગમાં ફાયદો થાય છે. તમાલ વૃક્ષની છાલનું ચૂર્ણ પરમિયા પર અપાય છે. ગર્ભાશય ની શિથિલતા અને કારણે ગર્ભાશયના વિકારો બહાર ન નીકળ્યા હોય તો તજ, તમાલપત્ર અને નાની એલચીના દાણા નું ચૂર્ણ આપવાથી બહાર નીકળી જાય છે.
ગર્ભસ્રાવ અને ગર્ભપાત રોકવામાં પણ એ ઘણું ઉપયોગી છે. ગર્ભાશય ની શિથિલતા દૂર કરી, ગર્ભધારણ કરવા માટે પણ એ વપરાય છે. તમાલપત્ર ઉત્તેજક અને વાતહર હોવાથી બાળકોના વાતજન્ય, કફજન્ય અને આમ પ્રકોપ જન્ય રોગોમાં નિર્ભયતા પૂર્વક વાપરી શકાય છે. હિંદીમાં તેને તેજપાત કહે છે. તમાલપત્ર ની માત્રા એકથી ત્રણ માસા સુધીની છે. દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર ને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી, આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત દાંત ઘસવા આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.તમાલપત્ર ને પાણીમાં નાખી ઉકાળી, ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળે છે.
તમાલવૃક્ષનો છાલનું ચૂર્ણ સાંધાના દુખાવા પર લેપ કરાય છે. યુનાની મત પ્રમાણે તમાલપત્ર મસ્તક પોષક, યકૃત-પ્લીહા હિતકારક અને મૂત્રવર્ધક છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે તમાલપત્ર સ્વેદલ, મૂત્રલ, કફ કરનાર, ધાવણ વધારનાર અને મળશુદ્ધિ કરનારું છે.તમાલપત્ર ને સળગાવવાથી મગજ શાંત રહે છે, મગજની નસોને આરામ મળે છે અને આ સિવાય પણ તમાલપત્રનું સેવન કરવાથી ઘણાં ફાયદાઓ મળે છે. તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીસના દરદીઓને લાભ થાય છે. તેમજ લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે.